
‘કાંટા લગા’ ફેમ શેફાલી જરીવાલાનું 42 વર્ષે નિધન
‘કાંટા લગા’ના રિમેકથી ફેમસ થયેલી એક્ટ્રેસ શેફાલી જરીવાલાનું 42 વર્ષની વયે અવસાન થયું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 27 જૂનની રાત્રે તેમને કાર્ડિયાક અરેસ્ટ આવ્યો હતો, જેના કારણે તેમનું મૃત્યુ થયું હતું.
સૂત્રોના જણાવ્યા અનુસાર, શુક્રવારે રાત્રે શેફાલીને તેના પતિ અને એક્ટર પરાગ ત્યાગી અને અન્ય ત્રણ લોકો બેભાન હાલતમાં મુંબઈના અંધેરીમાં આવેલી બેલેવ્યુ હોસ્પિટલમાં લાવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. હોસ્પિટલના રિસેપ્શન સ્ટાફે પુષ્ટિ આપી છે કે શેફાલી જરીવાલાને હોસ્પિટલમાં મૃત હાલતમાં લાવવામાં આવી હતી. તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે કૂપર હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે.
‘કાંટા લગા’ મ્યૂઝિક વીડિયોથી શરૂઆત કરી હતી
શેફાલી જરીવાલાએ 19 વર્ષની ઉંમરે ‘કાંટા લગા’ મ્યુઝિક વીડિયોથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી, જેણે તેને રાતોરાત સ્ટાર બનાવી દીધી હતી. આ ગીતમાં તેની બોલ્ડ સ્ટાઇલ અને ડાન્સિંગ સ્ટાઇલે લોકોનું ધ્યાન ખેંચ્યું હતું.