કચ્છ રણોત્સવ; નરેન્દ્ર મોદીથી ભૂપેન્દ્ર પટેલ સુધી…

કચ્છ રણોત્સવ; નરેન્દ્ર મોદીથી ભૂપેન્દ્ર પટેલ સુધી...
કચ્છ રણોત્સવ; નરેન્દ્ર મોદીથી ભૂપેન્દ્ર પટેલ સુધી…

કચ્છ રણોત્સવ; નરેન્દ્ર મોદીથી ભૂપેન્દ્ર પટેલ સુધી…

કચ્છ રણોત્સવ છઠ્ઠી ઓક્ટોબર 2006નો દિવસ. પ્રવાસન વિભાગ દ્વારા ઊજવાતો શરદોત્સવ પહેલીવાર ભુજની બહાર ખીલ્યો હતો. વેકરિયાનાં રણમાં ત્રણ દિવસના ઉત્સવનું ઉદ્ઘાટન કરવા આવેલા તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ કચ્છના પ્રવાસનનું ભવિષ્ય કથન કરતા હોય એમ કહ્યું હતું… `શરદપૂનમના ચંદ્રની જેમ કચ્છડો ખીલશે… કચ્છનું પોતે ઉજળું ભવિષ્ય જુએ છે…’


કચ્છ રણોત્સવ : મોદીજીએ કહ્યું હતું, કચ્છ પાસે રણ, દરિયો, દરિયાદિલ લોકો, હસ્તકળા અને નાના પર્વતોમાં પણ હિમાલય જેવી અનુભૂતિ છે. કચ્છ વિશ્વભરના પ્રવાસીઓને આકર્ષી શકવાની ક્ષમતા ધરાવે છે.


વેકરિયામાં મહાલતા નરેન્દ્રભાઇની નજરે ત્યારે ધોરડો અને સફેદ રણ નહોતું ચડયું… 2008માં ભુજમાં હમીરસર કાંઠે કાર્નિવલનો પ્રારંભ થયો ત્યારે ધોરડો તરફ દૃષ્ટિ પડી ચૂકી હતી. બીજાં વર્ષે પણ રણોત્સવ સાથે કાર્નિવલ યોજાયો અને એ પછી તખતો ધોરડોના મીઠાંનાં રણમાં ખસેડાયો… 


2009માં વ્હાઇટ ડેઝર્ટમાં કેબિનેટ બેઠક યોજાયા બાદ 20મી ડિસેમ્બર 2010ના ધોરડો નજીક ઊભી કરાયેલી તંબુનગરીમાં મોદીજીએ એક માસ ચાલનારા રણોત્સવનો પ્રારંભ કરાવ્યો… 

સફેદ રણને કુદરતની બેનમૂન ભેટ લેખાવીને તેમણે કહ્યું કચ્છનાં રણમાં પ્રવાસન પૂર્ણ કળાએ ખીલશે… 

એ શબ્દો દોઢ દાયકે સચોટ?સાબિત થયા છે. ગુજરાતના `કચ્છપ્રેમી’ મુખ્યમંત્રી 2014માં દિલ્હી દરબારમાં ભારતના જનપ્રિય વડાપ્રધાન તરીકે આરૂઢ થયા અને નરેન્દ્રભાઇનો એક રાજ્યના સીએમમાંથી આજે વિશ્વસ્તરના રાજપુરુષ તરીકે વિકાસ થયો, એની સમાંતર કચ્છ પણ ખૂબ વિકસ્યું છે. કચ્છનું પ્રવાસન આજે વિશ્વની લોકપ્રિય ટૂરિસ્ટ સર્કિટ તરીકે હોટ?રેટિંગમાં ચાલે છે.


નરેન્દ્રભાઇ દિલ્હી ગયા, પછી સીએમ તરીકે આનંદીબેન પટેલ અને વિજયભાઇ?રૂપાણી પણ?એકથી વધુવાર ઉદ્ઘાટન કરવા આવ્યા. વર્તમાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે ગયા વર્ષે રણોત્સવ સાથે લાઇટ એન્ડ સાઉન્ડ શો ખુલ્લો મૂક્યો અને લગાતાર બીજા વર્ષે આ જ મંગળ પ્રયોજન સાથે રવિવારે ધોરડો આવી રહ્યા છે. ધોરડો આમ તો બન્નીનું રણને અડીને આવેલું દુર્ગમ ગામ, દાદા ગુલબેગને લીધે પહેલેથી બન્નીની સંસ્કૃતિ સાચવી બેઠું છે. યુનો સંલગ્ન એજન્સી તરફથી સન્માન મળ્યું એનાં મૂળમાં જે માપદંડો છે એ તો બન્નીની સંસ્કૃતિનો સ્વભાવ જ છે. રણોત્સવ, સફેદ રણની ખ્યાતિ અને ટૂરિઝમની ચમક રેલાઇ એ પહેલાંથી માલધારી સંસ્કૃતિએ સૂકી બન્નીનું જનજીવન ભવ્ય રંગોથી ભરી રાખ્યું છે. ત્યાંની ખાનાબદોશ ભાતીગળ જાતિઓની જીવનશૈલી, અનોખો પહેરવેશ, આંખોમાં રંગ ભરી દે એવી બેનમૂન હસ્તકળા, ભૂંગા, લોકસંગીત, વાંઢો, ઘંટડીના મધુર રવ સાથે ગામના ધૂળિયા માર્ગો પરથી વિચરતા ભેંસોના ધણ… આ બધી બાબતોનો સરવાળો એટલે બન્ની. આજે ટેન્ટ સિટી અને આસપાસના રિસોર્ટ, સફેદ રણ, શિયાળો જામ્યો હોય ત્યારે વ્હાઇટ ડેઝર્ટના રૂપકડાં નામધારી જગાની અદ્ભુત સુંદરતા નિહાળવા આવતા દેશ-વિદેશના પ્રવાસી, દિગ્ગજ વ્યક્તિત્વોએ ધોરડોને નવું રૂપ આપ્યું છે. પ્રવાસન વિકસ્યા પછી બન્નીવાસીઓએ પોતાની અનોખી ઓળખ વિકસાવી છે, એની પાછળ બન્નીનો જીવતો જાગતો ઇતિહાસ લેખાતા દાદા ગુલબેગ અને તેમના પુત્ર અને પ્રગતિશીલ સરપંચ એવા મિયાંહુસેન ગુલબેગનું યોગદાન યાદ કરવું રહ્યું. ધોરડો આદર્શ ગામ બનીને ઊભર્યું છે. છેલ્લા બે વર્ષમાં ધોરડો, ધોળાવીરા, ભુજનું સ્મૃતિવન વિશ્વસ્તરે વધુ ખ્યાત થયાં છે. ધોરડોમાં ટેન્ટ સિટી ઉપરાંત બીજા રિસોર્ટ કિફાયતી દરે વિકસાવવાની જરૂર છે, જેથી સામાન્ય પ્રવાસીઓ પણ તેનો લાભ લઇ?શકે. રણોત્સવ થકી કચ્છી હસ્તકળા અને ભાતીગળ કળા-કારીગરીને ખાસ્સો લાભ થયો છે. 


ધોરડોનાં રણથી પ્રવાસન વિકાસની ગાડી ધોળાવીરા તરફ પૂરપાટ વેગે દોડી રહી છે, તેને રોડ ટુ હેવનનો રળિયામણો માર્ગ મળ્યો છે. કચ્છે આવા ભવ્ય પ્રવાસન વિકાસની ભાગ્યે જ કલ્પના કરી હશે. ધોળાવીરામાંય ટેન્ટ સિટી ઊભું થયું છે, કોરીક્રીક વિસ્તારમાં પણ કરોડોના ખર્ચે તંબુ ઊભા કરીને પ્રવાસીઓને રોમાંચક અનુભૂતિની તૈયારી થઇ ચૂકી છે. ભૂપેન્દ્રભાઇ પટેલના કાર્યકાળમાં ધોરડો ખાતે લાઇટ એન્ડ સાઉન્ડ શોનું આકર્ષણ ઉમેરાયું છે. ધોરડો ગામને યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ ટૂરિઝમ ઓર્ગેનાઇઝેશન દ્વારા બેસ્ટ ટૂરિઝમ વિલેજનું સન્માન મળ્યું. પ્રવાસન વિકાસનો કરંટ ધોરડોથી ધોળાવીરા તરફ ફંટાયો છે એ આનંદની વાત છે. હવે જરૂરત છે માવજતની, પ્રવાસીઓ સેંકડોની સંખ્યામાં ધોળાવીરા પહોંચે છે, પરંતુ ત્યાં પહોંચ્યા પછી રોકાવાનું મન થાય એવી માળખાંકીય સુવિધાઓ, મનોરંજન, માળખાંકીય સુવિધાની કમી વર્તાય છે. ધોળાવીરા ગામ આજે પણ વીજળી, પાણી, રસ્તાના પ્રશ્નો સામે ઝઝૂમી રહ્યું છે. `રોડ?ટુ હેવન’ રસ્તો લોકપ્રિય થયો છે એને વહેલી તકે ટુ-વે – દ્વિમાર્ગી બનાવાય તો ટ્રાફિકમાં સુગમતા રહે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇએ કચ્છ માટે છેલ્લા મહિનાઓમાં સારા નિર્ણય લીધા છે. ભુજ-ભચાઉ માર્ગ હોય કે ભુજ-નખત્રાણા રસ્તાના વિસ્તારની વાત હોય, અબજોની ગ્રાંટ ફાળવણી કરી છે. હવે એક નજર ધોળાવીરા તરફ?માંડવામાં આવે અને રાજ્ય સરકાર સમયબદ્ધ રીતે ધોળાવીરાનો સુરેખ વિકાસ કરીને તેને વૈશ્વિક વારસાના સ્થળ તરીકે શોભે એવાં સ્તરે પહોંચાડે એ અપેક્ષિત છે. 19મા રણોત્સવના ઉદ્ઘાટન માટે કચ્છ આવી રહેલા ભૂપેન્દ્રભાઇને આવકાર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *