કચ્છની બેંકોમાં 110 કરોડની મૂડીનો કોઇ ધણી નથી

આમ આદમીની સાથે આજે કચ્છનો પણ દરેક માણસ મોંઘવારી સામે તોબા પોકારતો રહે છે અને તે સ્વાભાવિક છે, પરંતુ જે લોકો પાસે બેંકોમાં પૈસા ડિપોઝિટ સ્વરૂપે જમા છે, તેમાં સતત વધારો થતો જાય છે એ વાસ્તવિકતા છે. કેમ કે, કચ્છમાં 400 બેંક શાખામાં થાપણ 50 હજાર કરોડને પાર કરી ગઇ છે, પરંતુ ઉડીને આંખે વળગે એવી બાબત સામે આવી છે તેમાં કચ્છના 15 હજારથી વધારે બેંક ખાતેદાર વરસોથી બેંકમાં કોઇ લેવડ-દેવડ નહીં કરતા હોવાથી રૂા. 110 કરોડની જંગી ધનરાશિ સ્થગિત થઇ ગઇ છે. 

આમ તો સત્તાવાર જનગણના 2011માં થઇ હતી ત્યારે આંકડો 21 લાખનો હતો, પરંતુ દાયકામાં ચાર લાખથી વધુ માનવ વસ્તી વધી ગઇ છે અને ખુદ વહીવટી તંત્ર આંકડા ભલે જાહેર નથી કરતું, પરંતુ તમામ સ્તરે આયોજન 25 લાખ પ્રમાણે થાય છે. સામે આર્થિક વ્યવહાર પણ રોકડના બદલે ડિજિટલ, યુ.પી.આઇ. વગેરે જેવી બેંકિંગ સેવાઓ કે મોબાઇલ એપથી થવા લાગ્યા છે એટલે જ સરકારે દરેક વ્યક્તિનું બેંક ખાતું ફરજિયાત કર્યું છે. ગરીબી રેખા હેઠળ જીવતા પરિવારોને આપવામાં આવતા આર્થિક લાભ હવે સરકાર તરફથી ડાયરેક્ટ બેંક ખાતા મારફતે આપવામાં આવતા હોવાથી કચ્છમાં અત્યાર સુધી 5,14,835 જનધન ખાતાં ખોલવામાં આવ્યા છે. આમ, કચ્છમાં બેંક ખાતેદારોની સંખ્યા 29 લાખને પાર કરી ગઇ હોવાનો આંકડો સત્તાવાર રીતે મળ્યો છે. 

કચ્છમાં 400 બેંક શાખા આવેલી છે ત્યારે નિયમિત લેવડ-દેવડ કરતા ખાતેદારો કરતાં જે વરસોથી બેંકમાં ગયા જ નથી અથવા ભુલાઇ ગયા હોય એવા બેંક ખાતેદારોની સંખ્યા 15 હજારની આસપાસ હોવાનું જાણવા મળ્યું છે. રિઝર્વ બેંકના નવા નિયમો પ્રમાણે હવે દરેક બેંક ખાતેદારે પોતાના ખાતામાં નાની-મોટી લેવડ-દેવડ ચાલુ રાખવી પડશે, પરંતુ એક વર્ષથી કોઇ લેવડ-દેવડ ન હોય તો ખાતેદારને જાણ કરવામાં આવ્યા પછી બે વર્ષે ખાતું બેંકિંગ ભાષામાં ડોરમેન્ટ એટલે કે સ્થગિત કરી દેવામાં આવે છે. એક વખત ખાતું નિક્રિય રહ્યા પછી ખાતામાં રહેલી મૂડી પણ રિઝર્વ બેંક પાસે જમા થઇ જાય છે. 2016માં આર.બી.આઇ.એ આવા ભુલાયેલા કે નિક્રિય ખાતાંની માહિતી માગી તો 10 વર્ષથી સુષુપ્ત રહેલા ખાતેદારોનો આંક 10 હજાર હતો તેવું જાણવા મળ્યું છે. આમ તો બેંકના નિયમો પ્રમાણે નિક્રિય ખાતાં અંગેની માહિતી જાહેર કરવામાં આવતી નથી, અત્યંત ગોપનીય બાબત હોવાથી સત્તાવાર આંકડો મળી શકવો મુશ્કેલ છે પરંતુ બેંક ક્ષેત્રમાં સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું હતું કે, કચ્છમાં છેલ્લા બે દાયકાથી એટલે કે 20 વર્ષથી અંદાજે 15 હજાર બેંક ખાતાં એવા છે જેમાં કોઇ પ્રકારની લેવડ-દેવડ થતી નથી. અને આવા ખાતેદારોની મૂડીનો આંક રૂા. 110 કરોડને પાર કરી ગયો છે. આમાંથી એવા ઘણા ખાતેદારો છે જે જૂના સમયમાં ખાતું ખોલાવીને ભૂલી ગયા છે અથવા કેટલાક અવસાન પામ્યા હોવાથી વારસાઇના અભાવે ખાતું સ્થગિત થઇ ગયું છે.

સમાચાર માધ્યમો અને સૂત્રો કહે છે કે, ગામડાનાં એક ખાતેદારે ધરતીકંપ પહેલાં ખાતું ખોલાવીને પછી ભૂલી ગયા હતા. એક જન્મેલા બાળકના નામનું ખાતું હતું. 22 વર્ષે બેંકના ધ્યાને આવતાં બેંક અધિકારીઓ ખાતેદારના પરિવારથી પરિચિત હોવાથી જાણ કરી તો પરિવારને યાદ આવ્યું અને નિયમો પ્રમાણે આર.બી.આઇ. પાસે ચાલી ગયેલી 50 હજારની રકમ થોડા જ દિવસોમાં પરત આવી ગઇ હતી. એવા જ એક સંસ્થાના વડીલોએ પાંચ હજારામં ખાતું 18 વર્ષ પહેલાં ખોલાવ્યું, પછી રહી ગયું અને પાછળથી અચાનક બેંક પાસબૂક મળી આવતાં તેના આધારે 18 વર્ષની અંતે રૂા. 15 હજારથી વધારે રકમ થઇ ગઇ ને મળી પણ ગઇ હતી. સત્તાવાર રીતે પૂછ્યું તો બે બેંકના આંકડા સામે આવ્યા હતા. આઇ.સી.આઇ.સી.આઇ. બેંકના 47 ખાતેદારની રૂા. 62.42 લાખ સ્થગિત થયેલા છે જ્યારે બેંક ઓફ ઇન્ડિયાના 9526 ખાતેદારની મૂડી રૂા. 3.51 કરોડ ખાતાંમાં જ પડી છે. બીજીબાજુ કચ્છમાંથી બદલી ગયેલા લીડ મેનેજર મહેશ દાસ કહે છે કે, ખાતામાં એક વર્ષ સુધી લેવડ-દેવડ ન હોય તો ફરીથી કે.વાય.સી. કરાવવું પડે છે તો ચાલુ રહે. અને જો સ્થગિત થઇ ગયું હોય તો ફરીથી શાખામાં જઇ જાણ કરવી પડે અને આધાર-પુરાવા આપવાથી આર.બી.આઇ.માંથી રકમ પરત આવી જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *