ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતીય પુરૂષ હોકી ટીમ એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2024માં તેનું પ્રભાવશાળી પ્રદર્શન ચાલુ રાખે છે. ભારતીય ટીમે શનિવારે તેની છેલ્લી ગ્રુપ સ્ટેજ મેચમાં કટ્ટર હરીફ પાકિસ્તાનને 2-1થી હરાવ્યું હતું. મેચમાં ભારત માટે બંને ગોલ કેપ્ટન હરમનપ્રીત સિંહે (13મી, 19મી મિનિટે) કર્યા હતા, જ્યારે પાકિસ્તાન માટે એકમાત્ર ગોલ નદીમ અહેમદે (8મી મિનિટે) કર્યો હતો.
આ ટૂર્નામેન્ટમાં ભારતની આ સતત પાંચમી જીત છે. ભારતીય ટીમ પહેલાથી જ સેમીફાઈનલમાં પહોંચી ગઈ છે. હવે ટીમ સોમવારે સેમિફાઇનલ 2 રમશે. ટુર્નામેન્ટની ફાઈનલ 17 સપ્ટેમ્બરે રમાશે. પાકિસ્તાને મેચની સારી શરૂઆત કરી હતી અને પ્રથમ ગોલ કર્યો હતો. આઠમી મિનિટે નદીમ અહેમદે પાકિસ્તાન માટે પહેલો ગોલ કરીને 1-0ની સરસાઈ મેળવી લીધી હતી. જોકે, ભારતીય ટીમે વાપસી કરી હતી અને કેપ્ટન હરમનપ્રીત સિંહે 13મી મિનિટે બરાબરીનો ગોલ કર્યો હતો. છેલ્લી મિનિટોમાં ઘણો સંઘર્ષ કરવામાં આવ્યો હતો પરંતુ કોઈ પણ ટીમ તકો બનાવી શકી ન હતી અને પ્રથમ ક્વાર્ટર 1-1ની બરાબરી પર સમાપ્ત થયું હતું.
ભારતીય ટીમે બીજા ક્વાર્ટરમાં શાનદાર શરૂઆત કરી અને 19મી મિનિટમાં ફરી એકવાર કેપ્ટન હરમનપ્રીતે ગોલ કરીને ભારતીય ટીમને 2-1થી આગળ કરી દીધી. ભારતીય ટીમ પહેલા હાફ સુધી 2-1થી આગળ રહી હતી. ત્રીજા ક્વાર્ટરમાં બંને ટીમોએ ગોલ કરવાનો પ્રયાસ કર્યો પરંતુ એક પણ ટીમ ગોલ કરી શકી ન હતી. પાકિસ્તાને અનેક પેનલ્ટી કોર્નર મેળવ્યા હતા પરંતુ ભારતીય ગોલકીપર ક્રિષ્ના પાઠકે પાકિસ્તાનને બરાબરીનો ગોલ કરતા અટકાવ્યો હતો અને ક્વાર્ટરનો અંત 2-1ની લીડ સાથે કર્યો હતો.
અંતિમ ક્વાર્ટરની શરૂઆતમાં ભારતને સતત બે પેનલ્ટી કોર્નર મળ્યા હતા પરંતુ પાકિસ્તાનના ડિફેન્સે તેને રોકી દીધું હતું. આ પછી અંતિમ ક્ષણોમાં પાકિસ્તાની ખેલાડી રાણા વાહીદને યલો કાર્ડ મળ્યું અને પાકિસ્તાનને છેલ્લી 10 મિનિટ 10 ખેલાડીઓ સાથે રમવી પડી. જો કે, મેચ પુરી થવાના બે મિનિટ પહેલા ભારતના મનપ્રીત સિંહને પણ યલો કાર્ડ મળ્યું હતું અને આ સાથે બંને ટીમો 10-10 ખેલાડીઓ પર ટાઈ થઈ ગઈ હતી. મેચ પુરી થવાના દોઢ મિનિટ પહેલા ભારતીય ટીમને પેનલ્ટી કોર્નર મળ્યો હતો પરંતુ તે ગોલમાં પરિવર્તિત થઈ શક્યો નહોતો.
ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતીય ટીમ ફેવરિટ તરીકે ટૂર્નામેન્ટ રમી છે અને દરેક મેચ જીતી છે. ભારતે પ્રથમ મેચમાં યજમાન ચીનને 3-0થી, બીજી મેચમાં જાપાનને 5-1થી, ત્રીજી મેચમાં મલેશિયાને 8-1થી હરાવ્યું અને ચોથી મેચમાં કોરિયા સામે 3-1થી જીત મેળવી હતી. હવે પાકિસ્તાનને 2-1થી હરાવ્યું. ભારત સોમવારે સેમિફાઇનલ રમશે.