
સોનગઢ તાલુકામાં ૧૩ મોટા ચેકડેમ નિર્માણ માટે ૧૪.૩૨ કરોડ રૂપિયા મંજૂર
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજયના ૧૪ જિલ્લાઓના પ૪ તાલુકાના આદિજાતિ વિસ્તારોમાં વસતા વનબંધુઓને સિંચાઇના પાણી તથા જળ સમૃદ્ધિ આપવાની નિર્ણાયકતા સાથે ચાર વર્ષમાં નાની-મોટી સિંચાઇ યોજનાના વિવિધ ૧૬૪૧ કામો દ્વારા કુલ ૪ લાખ ર૪ હજાર પ૦૭ એકર જમીનમાં સિંચાઇ સવલતો પૂરી પાડી છે.
રાજ્યના ૧૪ જિલ્લાઓ સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, મહિસાગર તેમજ ભરૂચ, નર્મદા, ડાંગ, તાપી, નવસારી અને વલસાડના પ૪ તાલુકાઓના આદિજાતિ વિસ્તારો મોટા ભાગે ઊંચાઇવાળા લેવલે કે ડુંગરાળ વિસ્તારમાં વસેલા છે. ૩૪૪ એલ.આઇ. સ્કીમ, ર૩૪ નાની-મોટી સિંચાઇ યોજનાઓ, ૪૩ર નાના-મોટા ચેકડેમ તેમજ ૬૧૭ અનુશ્રવણ તળાવો દ્વારા વનબંધુ વિસ્તારોની સમગ્રતયા ૪,ર૪,પ૦૭ એકર જમીનને સિંચાઇ લાભ પહોચાડવામાં આવી રહ્યો છે.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વનબંધુ વિસ્તારમાં સિંચાઇ, પાણી સુવિધા માટે દક્ષિણ ગુજરાતના આદિજાતિ જિલ્લા તાપીના સોનગઢ તાલુકાના ૧૩ મોટા ચેકડેમ નિર્માણ માટે ૧૪.૩૨ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. સોનગઢ તાલુકામાં એવરેજ ૧૩૦૦ મી.મી. વરસાદ વરસતો હોય છે. ઉકાઈ જળાશય જેવી મોટી યોજના પણ આ તાલુકામાં હોવા છતા ભૌગોલિક પ્રતિકૂળ પરિસ્થિતિના કારણે સોનગઢના ગામોમાં પૂરતું પાણી સિંચાઈ માટે મળી શકતું નથી.
મુખ્યમંત્રી તદ્અનુસાર સોનગઢ તાલુકાની રંગાવલી, ગીરા, ઝાંપરી, અંજના, ધોદાવલી, છાપડી નદીઓ તેમજ મોટા કોતરો પર જુદા જુદા સ્થળોએ ૧૩ મોટા ચેકડેમ નિર્માણના આયોજનને મંજૂરી આપી છે. આ ૧૩ મોટા ચેકડેમ બનવાને પરિણામે સમગ્રતયા ૩૮ લાખ ઘનફૂટ પાણીનો સંગ્રહ થશે અને તેનો લાભ ૧૧ ગામોના ૫૦૦ આદિવાસી પરિવારો અને ૯૦૦ એકર જમીન વિસ્તારને મળતો થશે. આમ, મુખ્યમંત્રીએ સમગ્ર વનબંધુ વિસ્તારોમાં જળક્રાંતિના યજ્ઞ દ્વારા આદિજાતિ બાંધવોને પણ વિકાસના મુખ્ય આધાર સમા પાણીની પૂરતી ઉપલબ્ધિની મહત્વપૂર્ણ કાર્ય યોજનાઓને વાસ્તવિક રૂપ આપ્યું છે.