આણંદ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અમિતભાઈ ચાવડાએ આજરોજ બપોરે વિજય મુહૂર્તમાં નામાંકનપત્ર ભરી, જંગી બહુમતીથી જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. અમિતભાઈ ચાવડાએ શહેરના લોટીયા ભાગોળ સ્થિત મહારાણા પ્રતાપની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કર્યાં બાદ પદયાત્રા રેલી યોજી નામાંકનપત્ર ભરવા માટે કલેકટર કચેરી પહોંચ્યા હતા. આ રેલીમાં હજારોની સંખ્યામાં સમર્થકો જોડાયાં હતાં
ગુજરાતમાં લોકસભા સામાન્ય ચૂંટણીને આડે હવે માત્ર વીસ દિવસ કરતાં પણ ઓછો સમય બાકી રહ્યો છે. એમાંય વળી આવતીકાલે ઉમેદવારીપત્ર નોંધાવવાનો અંતિમ દિવસ છે. ત્યારે, આજરોજ આણંદ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અમિતાભાઈ ચાવડાએ આણંદને નંબર 1 બનાવવાના સંકલ્પ સાથે ઉમેદવારી નોંધાવી છે. કોંગ્રેસી ઉમેદવાર અમિતભાઈ ચાવડાએ આજરોજ વહેલી સવારે વિવિધ પાંચ જેટલાં મંદિરોમાં જઈ ભગવાન સમક્ષ શીશ ઝુકાવ્યું હતું. જે બાદ આણંદ શહેરમાં વ્યાયામ શાળાના મેદાન પાસે રોડ ઉપર સ્વાભિમાન સભા યોજી હતી. સભા પૂર્ણ થયાં બાદ ત્યાં નજીકમાં આવેલ મહારાણા પ્રતાપની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. જે બાદ અમિતભાઈ ચાવડાએ પ્રચંડ શક્તિ પ્રદર્શન સાથે પદયાત્રા રેલી યોજી હતી. આ રેલીમાં હજારોની સંખ્યામાં સમર્થકો જોડાયાં હતાં. લોટીયા ભાગોળથી નીકળેલી આ રેલી ગામડીવડ ચાર રસ્તા, અમૂલ ડેરી રોડ, ગણેશ ચોકડી થઈ જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચી હતી. જ્યાં આણંદ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અમિતાભાઈ ચાવડાએ જિલ્લા કલેકટર સમક્ષ એફિડેવિટ સાથેનું પોતાનું ઉમેદવારીપત્ર રજુ કર્યું હતું.