અરબી સમુદ્રમાં વેલમાર્ક લો-પ્રેસર ડિપ્રેશનમાં થયું પરિવર્તિત..

અરબી સમુદ્રમાં સર્જાયેલુ હવાનું હળવું દબાણ હવે ડિપ્રેશનમાં પરિવર્તીત થયું છે. આગામી 24 કલાકમાં ડીપડિપ્રેશનમા ફેરવાઈ શકે છે. અને 16મી મેના રોજ તૌકતે વાવાઝોડામાં રૂપાંતરિત થાય તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.  આ સંભવિત વાવાઝોડુ 18મી મેની આસપાસ ગુજરાતનાં દરિયા કિનારે ત્રાટકવાની સંભાવના છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠે વાવાઝોડુ ત્રાટકે તેવી શક્યતાને પગલે મત્સ્યોદ્યોગ વિભાગ દ્વારા જાફરાબાદ પંથકની 700 જેટલી માછીમાર બોટને તાત્કાલિક કાંઠે આવી જવા સૂચના અપાઇ છે. તો કચ્છ સૌરાષ્ટ્ર સહિતના તમામ બંદરોના માછીમારોને બોટ સાથે 16મી તારીખ સુધીમાં પરત આવવા માટે આદેશ અપાયા છે. આ વાવાઝોડુ 19 કે 20મી મેના રોજ ગુજરાતના દરિયાકાંઠે ટકરાવાની શકયતા જોવાઈ રહી છે. સાવચેતી ભાગ રૂપે દ્વારકા જિલ્લાના ઓખા, સલાયા, રૂપેણ, વાડીનાર સહિતના બંદરોને એલર્ટ કરાયાં છે. તો કચ્છના કાંઠાળ વિસ્તારોમાં કંડલા, મુંદરા, માંડવી, જખૌ સહિતના દરિયાઈ પટ્ટામાં સતર્કતા દાખવવામાં આવી રહી છે. તો માછીમારોને દરિયો ન ખેડવા તેમજ દરિયો ખેડવા ગયેલા માછીમારોને પરત ફરવા તાકીદ કરવામાં આવી છે. સાવચેતીનાં ભાગરૂપે કચ્છનાં જખૌના દરિયામાંથી માછીમારી માટે ગયેલી 194 બોટ પૈકી 135 બોટ પરત ફરી ચૂકી છે. જ્યારે બાકીની બોટ મોડી રાત્રે અથવા તો વહેલી સવારનાં સમયે કિનારે
 આવી પહોંચશે તેવા અહેવાલો પ્રાપ્ત થયા છે. માછીમારોને દરિયામાં જવા માટે આપવામાં આવતાં ટોકન પણ બંધ કરી દેવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *