અમદાવાદ શહેરમાં ટ્રાફિક પોલીસ ઉનાળા, શિયાળા અને ચોમાસામાં પણ ફરજ બજાવે છે. સામાન્યા રીતે શહેરના ચાર રસ્ચા પર ઉભેલા ટ્રાફિક પોલીસ સફેદ કલરની હેલ્મેટ પહેરતા હોય છે ત્યારે હવે પોલીસના ખાસ પ્રકારના હેલ્મેટની ચર્ચા થઈ રહી છે.
ટ્રાફિક પોલીસને અપાયા ખાસ પ્રકારના હેલ્મેટ
ટ્રાફિક પોલીસને ચોમાસાની સિઝનમાં રેઈનકોટ, શિયાળામાં જેકેટ કે સ્વેટર મળે છે જો કે ઉનાળામાં આકરી ગરમીમાં પરેશાની રહે છે ત્યારે હવે આ પરેશાનીનો હલ શોધવાનો પ્રયત્ન કરાયો છે. હાલમાં શહેરમાં ટ્રાફિક પોલીસ માટે એક સુવિધા શરુ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે જેમાં તેમને ગરમીથી અને પ્રદુષણથી રાહત મળશે. શહેરમાં હવે ટ્રાફિક પોલીસ ખાસ પ્રકારની સફેદ હેલ્મેટ પહેરતા દેખાઈ રહ્યા છે જે અલગ પ્રકારનું દેખાઈ રહ્યું છે તેમજ તે એક અન્ય ડીવાઈસ સાથે કનેક્ટ થયેલું જોવા મળે છે. ટ્રાફિક પોલીસની કમર સાથે લગાવેલા એક યુનિટ સાથે આ હેલ્મેટ કનેક્ટ કરવામાં આવ્યું છે.
આ હેલ્મેટમાં છે આ ખાસિયત ?
શહેરમાં ટ્રાફિક પોલીસને પ્રાયોગિત ધોરણે આપવામાં આવેલા આ હેલ્મેટની ખાસિયત એ છે કે હેલમેટ બેટરી ઓપરેટેડ છે અને તેમાં મુકાયેલો પંખો એસીની જેમ હવા ફેંકે છે આ કારણે તેને એસી હેલ્મેટ કહેવાય છે આ હેલ્મેટ બેટરીથી ચાલે છે. આ બેટરીનો વાયર હેલ્મેટ સાથે જોડેલો છે અને તે બેટરી એક કવરમાં હોય છે જેને પોલીસના કમર પર લગાવેલી હોય છે. આ હેલ્મેટનો બેટરી બેકઅપ પણ ખૂબ યોગ્ય છે, ચાર્જ કર્યા બાદ અનેક કલાકો સુધી તેની બેટરી ચાલે છે.
આ હેલ્મેટથી ટ્રાફિક પોલીસને રાહત મળશે
આ પ્રકારના હેલ્મેટથી ટ્રાફિક પોલીસને ઠંડક તો મળશે જ પણ આ સાથે આંખો અને નાક પણ સુરક્ષિત રહેશે. આ હેલ્મેટથી પોલીસનું સ્વાસ્થ્ય બગડતાં અટકાવી શકાશે હેલ્મેટથી નાક સુધીનો ચહેરો ઢંકાઈ શક્શે. હાલ પ્રારંભિક ધોરણે માત્ર ત્રણ હેલમેટ લેવાયા છે અને તે કેટલા સફળ રહે છે તે પરથી આગળની વિધિ નક્કી કરવામાં આવશે. હાલ અમદાવાદના નાના ચિલોડા, પિરાણા ક્રોસ રોડ અને ઠક્કરનગર ચાર રસ્તા પર એક એક પોલીસ કર્મચારીને આ હેલમેટ અપાયા છે.