
જન્માષ્ટમીએ અમદાવાદમાં જળબંબાકાર, કડાકા-ભડાકા સાથે વરસાદી માહોલ
હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદ સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં સવારથી જ મેઘરાજા મહેરબાન થયા છે. જન્માષ્ટમીના પાવન પર્વે વાતાવરણમાં પલટો આવ્યો છે અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે ઠેર-ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ઘણાં વિસ્તારોમાં માત્ર બે કલાકના ગાળામાં બેથી ત્રણ ઈંચ જેટલો વરસાદ ખાબકી જતાં રસ્તાઓ બેટમાં ફેરવાયાની સ્થિતિ સર્જાઈ છે. મીઠાખળી, ઉસ્માનપુરા અને અખબારનગર અંડરપાસ બંધ કરી દેવાયા છે.
અમદાવાદમાં વરસાદી માહોલ
અમદાવાદ શહેરના વસ્ત્રાપુર, નરોડા, અખબારનગર, મેમનગર, એસજી હાઈવે, સીજી રોડ, પાલડી, જમાલપુર, ખાડિયા, લાલદરવાજા, બોડકદેવ, ઇસ્કોન, બોપલ, ઘુમા અને સોલા જેવા મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયેલું હોવાથી દિવસભર વરસાદ ચાલુ રહે તેવી શક્યતા છે. નરોડા જેવા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
હવામાન વિભાગે રાજ્યમાં આજે સાર્વત્રિક ભારે વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતમાં તો ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં હાલ ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી 19 ઓગસ્ટ સુધી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ ચાલુ રહેશે તેવી આગાહી છે, જેમાં અમદાવાદ અને ગાંધીનગરનો પણ સમાવેશ થાય છે. અમદાવાદમાં ફરી એકવાર નાઉકાસ્ટ હેઠળ હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કરતા ભારે વરસાદની આગાહી કરી છે.
અમદાવાદના મેમકો, કૃષ્ણનગર, નરોડામાં 2 કલાકમાં 4 ઇંચ વરસાદ

અમદાવાદ થલતેજ વોર્ડના ભાજપના કોર્પોરેટર હિતેશ બારોટ ટ્રાફિકની સમસ્યા માટે રોડ પર ઉતર્યા
વરસાદ બંધ થયા બાદ પણ વરસાદી પાણીનો નિકાલ થયો નથી. શહેરના થલતેજ વોર્ડમાં મેમનગર વિસ્તારમાં સુરધારા સર્કલ પાસે વરસાદી પાણી ભરાયા છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ શનિ-રવિની રજામાં મસ્ત છે ત્યારે AMCના પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને થલતેજ વોર્ડના ભાજપના કોર્પોરેટર હિતેશ બારોટ ખુદ વરસાદી પાણીનો નિકાલ અને ટ્રાફિકની સમસ્યા માટે રોડ પર ઉતર્યા હતા.

અમદાવાદના કૃષ્ણનગરમાં કેમિકલવાળું અને વરસાદી પાણી બંને રોડ પર ભરાયું
અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં જી વોર્ડ ખાતે ગુરુદ્વારા નજીક વરસાદી પાણી ભરાયું છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની લાઈનમાં ગેરકાયદેસર રીતે કેમિકલવાળા પાણીની લાઈનનું જોડાણ કરી દેવામાં આવતા કેમિકલવાળું અને વરસાદી પાણી બંને બહાર રોડ ઉપર ભરાયું છે.

અમદાવાદ શાહીબાગમાં ચાલુ વરસાદે રામકથા
અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં ગોપાલજીની ચાલીમાં ચાલુ વરસાદે રામકથા ચાલી હતી.
વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો