બોપલમાં MICAના વિદ્યાર્થીની હત્યા કોન્સ્ટેબલે કરી હતી, વિરેન્દ્રસિંહ પઢિયાર પંજાબથી ઝડપાયો; સ્ટુડન્ટને છરીના ઘા માર્યા હતા
અમદાવાદના બોપલ વિસ્તારમાં 10 નવેમ્બરે વાહન ચલાવવા બાબતે બોલાચાલી થતાં MICA કોલેજના વિદ્યાર્થી પ્રિયાંશુ જૈનની હત્યા કરી દેવામાં આવી હતી. આ વિદ્યાર્થીનો હત્યારો વીરેન્દ્રસિંહ પઢિયાર ઝડપાઈ ગયો છે. વીરેન્દ્ર સરખેજ પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ છે.
આ વિદ્યાર્થીએ કારચાલકને ટકોર કરી હતી, પરંતુ કારચાલકે ઉશ્કેરાઈને વિદ્યાર્થી પર છરાથી હુમલો કર્યો હતો, આથી ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો, પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. છરાથી હુમલો કર્યા બાદ કારચાલક ફરાર થઈ ગયો હતો. આ અંગે બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે પંજાબથી વિરેન્દ્રસિંહની ધરપકડ કરી છે. વિરેન્દ્રસિંહ સરખેજ પોલીસ સ્ટેશનમાં ઇન્વેસ્ટિગેશન વિભાગમાં નોકરી કરતો હતો. પોલીસ કર્મચારી એવો વિરેન્દ્ર હત્યા કરીને પંજાબ ભાગી ગયો હતો, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પંજાબ પાસેથી ઝડપી લીધો છે. જેને ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદ લઈને આવી રહ્યા છે.
આ સમગ્ર મામલે અનેક શંકાસ્પદ લોકોની પૂછપરછ કરવામાં આવી રહી હતી. અમદાવાદ જિલ્લા પોલીસ અને અલગ અલગ એજન્સીઓ સમગ્ર પ્રકરણમાં કામ કરી રહી હતી ત્યારે આ કેસમાં અનેક શંકા ઉપજાવનારા પ્રશ્નો હતા કારણ કે છેક સુધી સીસીટીવી ફૂટેજ મળ્યા ન હતા એની સાથે આરોપી કઈ કાર લઈને આવ્યો હતો તે પણ ક્લિયર થતું ન હતું.
જ્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને આ દરમિયાન એક મહત્વની કડી મળી અને આ કડીના આધારે તેઓ એક વ્યક્તિને શોધી રહ્યા હતા અને તે શંકાને આધારે એક કારનો પીછો કરી રહ્યા હતા. જે કારનું લોકેશન પંજાબ તરફ હોવાનું જાણવા મળતા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ત્યાં પહોંચી હતી અને કારને રોકીને તપાસ કરતાં આ કાર સરખેજ પોલીસ સ્ટેશનના એક પોલીસ કર્મચારી લઈને નીકળ્યો હોવાનું જાણવા મળ્યું હતું.
વિરેન્દ્રએ કયા સંજોગોમાં હત્યા કરી તે અમદાવાદ આવ્યા બાદ તેની પૂછપરછ કરવામાં આવશે અને ત્યારબાદ તેને અમદાવાદ જિલ્લા પોલીસને સોંપવામાં આવશે તેવી પ્રક્રિયા હાથ ધરાશે હાલ તો આ સમગ્ર મામલાના તાર શોધવા માટે અમદાવાદ ક્રાઈમ દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
વિદ્યાર્થી મૂળ ઉત્તરપ્રદેશનો રહેવાસી
મૂળ ઉત્તર પ્રદેશના મેરઠનો રહેવાસી એવો 23 વર્ષીય પ્રિયાંશું જૈન રાતે બુલેટ પર મિત્ર સાથે જઈ રહ્યો હતો ત્યારે ફાયર સ્ટેશન પાસે કાર ચાલક સાથે બોલાચાલી થઈ હતી. મૂળ ઉત્તરપ્રદેશનો રહેવાસી છે. પોલીસ અને મૃતકના મિત્રો પણ સ્થળ પર પહોંચ્યા છે. FSLની ટીમ દ્વારા સ્થળ પરથી સેમ્પલ લેવામાં આવ્યાં હતા.
ચકમક થઈ ત્યાંથી 200 મીટર આગળ હત્યા થઈ
અમદાવાદ ગ્રામ્ય હેડ ક્વાર્ટરના એસપી મેઘા તેવરે જણાવ્યું હતું કે, સાઉથ બોપલની બેકરી પર બાઈકચાલક અને કારચાલક વચ્ચે બબાલ થઈ હતી. રાત્રે 10.30 વાગ્યા બાદ ઘટના બની હતી, બ્લેક કલરની લક્ઝુરિયસ કાર સાથે આવી ચાલક અને વિદ્યાર્થી વચ્ચે બબાલ થઈ હતી. છરીના એક ઘા વડે હત્યા કરાઈ હોવાનું તપાસમાં સામે આવ્યું છે. રોંગ સાઈડમાં પૂર ઝડપે આવી રહેલ કારચાલક સાથે બોલચાલી થઈ હતી. જે જગ્યા પર ચકમક થઈ ત્યાંથી 200 મીટર આગળ હત્યા થઈ હતી. મહિલાએ હોસ્પિટલ ઘાયલ વ્યક્તિને પહોંચાડ્યો હતો. અનેક વાહનચાલકોએ કાર ઊભી ના રાખી, મહિલાએ હિંમત દાખવી ઘાયલ વિદ્યાર્થીને હોસ્પિટલ લઈ ગયા હતા.
હોસ્ટેલમાં સાથે રહેતા મિત્રએ પોલીસ ફરિયાદ નોંધાવી
અમદાવાદના છેવાડે આવેલા શેલા ગામની અશોકા હોસ્ટેલમાં રહેતા પૃથ્વીરાજ મહાપાત્રાએ બોપલ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખસ વિરુદ્ધ હત્યાની ફરિયાદ કરી હતી. પૃથ્વીરાજ મૂળ ઓડિશાનો રહેવાસી છે અને અમદાવાદની MICAમાં બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. પૃથ્વીરાજ સાથે તેનો મિત્ર પ્રિયાંશુ જૈન પણ કોલેજમાં અભ્યાસ કરતો હતો. ગઈકાલે સાંજે પૃથ્વીરાજ અને પ્રિયાંશુ બન્ને કોલેજના કેમ્પસમાં કંપનીનો ઇન્ટરવ્યૂ હોવાથી તે તેમના મિત્ર ચૈતન્યનું બુલેટ લઈને બોપલ સરકારી ટ્યૂબવેલ પાસે આવેલા મારુતિ ટેલરમાં સૂટ સીવડાવવા માટે ગયા હતા.