અમદાવાદના વાસણામાં આવેલી એપીએમસી માર્કેટમાંથી 14 કોથળા લસણની ચોરી થતાં પોલીસે તાબડતોબ તપાસ શરુ કરી હતી.
અમદાવાદમાં લસણનો ભાવ 300 થી 500 રુપિયે કિલો થતાં લસણચોરો એક્ટિવ થયાં છે. વાસણમાં લસણ ચોરીની એક મોટી ઘટના સામે આવી છે જેમાં અજાણ્યા શખ્સો ધોળે દિવસે લસણના 14 કોથળા ઉપાડીને છૂમંતર થઈ ગયાં હતા.
વાસણાનો લસણનો વેપારી લૂંટાયો
લસણના ભાવમાં વધારો થતાં ચોરોએ વિશાલા સર્કલ પાસે આવેલી એગ્રિકલ્ચર પ્રોડ્યુસ એન્ડ માર્કેટ કમિટી (એપીએમસી)ને નિશાન બનાવીને ત્યાંથી 140 કિલો લસણના 14 કોથળા ચોરીને રવાના થઈ ગયા હતા. વાસણાના 39 વર્ષીય ગોવિંદ સાવંસાએ વેજલપુર પોલીસમાં પોતાની એફઆઈઆરમાં જણાવ્યું હતું કે, તે ડુંગળી અને લસણના જથ્થાબંધ વેચાણનો ધંધો કરે છે. શનિવારે સવારે લગભગ 9 વાગે તેઓ મધ્ય પ્રદેશથી લસણની 105 બોરીઓ ખરીદી હતી. શનિવારે રાત્રે આઠ વાગ્યાની આસપાસ સાવંસાને લસણની બોરીઓ જમાલપુર માર્કેટમાં લઈ જવાની હતી અને તેના કર્મચારીઓ રિક્ષામાં બોરીઓ ભરીને જતા હતા ત્યારે તેને 14 બોરી ગાયબ જોવા મળી હતી.
બે શખ્સોએ ધોળા દિવસે કરી ચોરી
સાવંસાએ જણાવ્યું હતું કે, તેણે એપીએમસીમાં તેની દુકાનની આસપાસ તે બોરીઓ શોધવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ મળી નહોતી. બાદમાં સીસીટીવી ફૂટેજ ચેક કરતાં જાણવા મળ્યું હતું કે, શનિવારે સાંજે સાડા છ વાગ્યે બે શખ્સોએ ચોરી કરી હતી. સીસીટીવી ફૂટેજમાં જોવા મળ્યું હતું કે એપીએમસીમાં સાવંસાની દુકાન પર બે શખ્સો આવ્યા હતા, લસણની 14 બોરીઓ ઉપાડી, શાંતિથી તેમને એક ઓટોરિક્ષાની અંદર મૂકી દીધા હતા, જેમાં તેઓ આવ્યા હતા અને બે મિનિટમાં ત્યાંથી ભાગી ગયા હતા. સાવંસાએ શહેર પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કર્યો હતો અને બાદમાં બે અજાણ્યા શખ્સો સામે ચોરીની ફરિયાદ નોંધાવી હતી.