અમદવાદમાં નકલી નોટો ફરતી કરવાનો પ્લાન નિષ્ફળ, છ યુવકોની ધરપકડ

અમદાવાદના ચાણક્યપુરીમાં આવેલી શાકમાર્કેટમાં બનાવટી ચલણી નોટોને આપીને ખરીદી કરવા આવેલી ગેંગના છ શખ્સોને ઝડપી લેવામાં સોલા હાઇકોર્ટ પોલીસને મહત્વની સફળતા મળી છે. પોલીસે આરોપીઓ પાસેથી રૂપિયા પાંચસોની 247 જેટલી બનાવટી ચલણી નોટો જપ્ત કરી છે.

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે આરોપીઓ મધ્યપ્રદેશના ભીંડના મેગાવના વતની છે અને તેમના અન્ય એક સાગરિતે બનાવટી ચલણી નોટો પ્રિન્ટ કરવાની તાલીમ આપી હતી. જેમાં ઉચ્ચ ક્વોલીટીના કાગળ પર 500ની નોટ પ્રિન્ટ કરીને તૈયાર કરી હતી અને સાંજના સમયે ભીડનો લાભ લઈને બનાવટી નોટ ફરતી કરવાના હતા. આ અગે સોલા હાઇકોર્ટ પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

પોલીસે પૂછપરછ કરતાં આરોપીઓના નામ દિપક બંસલ, ઉમેશ રેપુરિયા, વિકાસ જાટવ, ઉમેશ કૈલાશ જાટવ અને ઋષિકેશ જાટવ (તમામ, રહે. મેગાવ, જિ. ભીંડ, મધ્યપ્રદેશ) હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગે વધુ માહિતી આપતા ઝોન 1 ડીસીપી બલરામ મીણાએ જણાવ્યું કે આરોપીએ અગાઉ યોગેશ નામના વ્યક્તિએ આરોપીઓને સારી ગુણવતાની બનાવટી ચલણી નોટો છાપીને બજારમાં ફરતી કરીને નાણાં કમાવવાનો શોર્ટ કટ બતાવ્યો હતો. જે માટે તેણે અસલી નોટ સ્કેન કરીને તેને બંને તરફ પ્રિન્ટ કરવાથી માંડીને તેના પર ગ્રીન કલર ઉપસી આવેલી ટેપ લગાવવાની ટેક્નિક પણ શીખવી હતી. 

જેના આધારે આરોપીઓએ અગાઉ 100 રૂપિયાના દરની બનાવટી ચલણી નોટો તૈયાર કરી હતી અને દિલ્હી તેમજ મધ્યપ્રદેશમાં નાના વેપારીઓને આપી હતી. ત્યારબાદ તેમણે થોડા દિવસ પહેલા રૂપિયાના દરની બનાવટી ચલણી નોટો તૈયાર કરી હતી અને તેને અમદાવાદ જેવા મોટો શહેરમાં રાતના સમયે શાક માર્કેટમાં આપવા માટેનું નક્કી કર્યું હતું. જેથી તે 250 જેટલી નોટો લઈને આવ્યા હતા. તેમને રૂપિયા 500ના દરની બે બનાવટી ચલણી નોટો ફરતી કરવામાં સફળતા મળી હતી. જેથી આરોપીઓ તેમની પાસે રહેલી તમામ નોટો નાની મોટી ખરીદી કરીને વટાવવા માટે નીકળ્યા હતા. જો કે તે પહેલા ઝડપાઈ ગયા હતા.

આરોપીઓને બનાવટી ચલણીનો છાપવાની ટ્રીક શીખવનાર યોગેશ નામનો આરોપી ઉત્તર પ્રદેશમાં બનાવટી ચલણી નોટોના ગુનામાં સંડોવાયેલો હોવાનું જાણવા મળ્યું છે અને તેણે બનાવટી ચલણીનો ગોરખ ધંધો કરવા માટે ગેંગ તૈયાર કરી હતી. હાલ પોલીસ તમામ આરોપીઓના 12 દિવસના રિમાન્ડ મેળવીને વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *