છોટાઉદેપુરમાં બોડેલી પાસે ગોંડલથી મધ્યપ્રદેશ જતી કાર ઝાડ સાથે ધડાકાભેર અથડાતા ગમખ્વાર અકસ્માત માં 1 નું મોત 10 મુસાફરો ને ઈજા

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના નવાપુરા નજીક આજે વહેલી સવારે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાતા એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે અન્ય 10 ને ઈજાઓ પહોંચી હતી. આ અકસ્માત વહેલી સવારે લગભગ 5 વાગ્યે બન્યો હતો, જ્યારે ગોંડલથી મધ્યપ્રદેશના બડવાની તરફ જઈ રહેલી ઈકો કાર રોડ પરથી નીચે ઉતરી ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ હતી.

પ્રાથમિક માહિતી અનુસાર, કાર ચાલકે કોઈક કારણોસર સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો, જેના પરિણામે વાહન રોડની બાજુમાં આવેલા એક ઝાડ સાથે જોરદાર ટકરાયું હતું. આ ભયાનક ટક્કર એટલી પ્રચંડ હતી કે, મધ્યપ્રદેશના મંડાઈ ગામના રહેવાસી રમેશ સોલંકીનું ઘટનાસ્થળે જ કરૂણ મૃત્યુ નીપજ્યું હતું.

અકસ્માતમાં કારમાં સવાર અન્ય દસ મુસાફરોને ઓછી-વત્તી એટલે કે સામાન્ય ઈજાઓ થઈ હતી. તેમને તાત્કાલિક સારવાર અર્થે બોડેલીની સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઈજાગ્રસ્ત મીલાબેને કહ્યુું કે, ગુજરાતથી એમપી આવતા હતા, મારો જમાઈ શાંત થઈ ગયો હતો, વાગ્યું છે બધાને, મારે તો કોઈ નહીં.

મળતી માહિતી મુજબ, કારમાં સવાર તમામ મુસાફરો ગોંડલમાં મજૂરી કામ કરતા હતા અને કામ પતાવીને પોતાના વતન મધ્યપ્રદેશ પરત ફરી રહ્યા હતા. આ અકસ્માતથી સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

બોડેલી પોલીસે અકસ્માત અંગેની જાણ થતા જ ઘટનાસ્થળે પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે અને અકસ્માત કેવી રીતે સર્જાયો તે અંગે વધુ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે. આ ઘટના ફરી એકવાર વહેલી સવારના સમયે હાઈવે પર વાહન ચલાવતી વખતે સાવચેતી રાખવાની અને ઓવરસ્પીડ ટાળવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો