અંબાજીના માર્ગો પર ગામેગામથી ઉમટ્યા પદયાત્રિકો જપ, તપ અને ઉત્સવનો જામ્યો માહોલ
અંબાજીમાં હાલ ભાદરવી પૂનમનો મેળો ચાલી રહ્યો છે. ત્યારે અંબાજી પહોંચતા માર્ગો પર શ્રદ્ધાળુઓનો અવિરત પ્રવાહ જોવા મળી રહ્યો છે. માર્ગો પર પદયાત્રિકોનો માનવ મહેરામણ જોવા મળી રહ્યો છે. આસ્થા પણ એવી કે આ ભાવિકોના ચહેરા પર માની ભક્તિ અને ઉત્સાહ જોવા મળે છે અને બોલ માડી અંબેના નાદથી માર્ગો ગૂંજી રહ્યા છે.બોલ માડી અંબે. જય જય અંબેના નાદથી ગુંજી રહ્યા છે. અંબાજી પહોંચવાના રસ્તાઓ માને નવલા નોરતાનું આમંત્રણ આપવા ગુજરાતના ગામે-ગામથી વિવિધ નગરોમાંથી લોકો પગપાળા નીકળી પડ્યા છે. માનો રથ લઈને અને હાથમાં આસ્થાની ધજા લઈને શ્રદ્ધાળુઓ દિવસ-રાત યાત્રા કરતા આગળ વધી રહ્યા છે. પણ, એ “ભક્તિ”ની જ તો “શક્તિ” છે કે ન તો આ ભક્તોના ચહેરા પર થાક વર્તાઈ રહ્યો છે કે ન તો તેમના શરીરમાં. મનમાં બસ એક જ આસ્થા છે કે ક્યારે અંબાજી પહોંચીએ અને ક્યારે માતાના દર્શન કરીએ.
ભાદરવી પૂનમના મેળામાં મા અંબાને ધજા અર્પણ કરવાનું વિશેષ મહત્વ છે. ત્યારે મોટી સંખ્યામાં માઈભક્તો ધજા લઈને પગપાળા ચાલતા નજરે પડી રહ્યા છે. એક સંઘ તો 251 ફૂટની વિશાળ ધજા લઈને પગપાળા યાત્રા કરી રહ્યો છે. પણ, એ મા પ્રત્યેની ભક્તોની આસ્થા જ તો છે કે માર્ગ ઉપર સતત ધજા ઊંચકીને ચાલવા છતાં થાકનો અણસાર સુદ્ધા નથી.