નાતાલ પહેલા MPથી મોટા સમાચાર, શાળાઓએ ખ્રિસ્તી તહેવારો પર વિદ્યાર્થીઓને સાન્તાક્લોઝ બનાવતા પહેલા વાલીઓ પાસેથી લેખિત પરવાનગી લેવી પડશે
નાતાલના તહેવારની પહેલા મધ્યપ્રદેશથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં મધ્યપ્રદેશમાં 25મી ડિસેમ્બરે નાતાલના તહેવાર પહેલા આદેશ જાહેર કરવામાં આવ્યો છે. ચાઈલ્ડ રાઈટ્સ પ્રોટેક્શન કમિશને આદેશ આપ્યો છે કે, શાળાઓએ ખ્રિસ્તી તહેવારો પર વિદ્યાર્થીઓને સાન્તાક્લોઝ બનાવતા પહેલા વાલીઓ પાસેથી લેખિત પરવાનગી લેવી પડશે. ચાઈલ્ડ કમિશને કહ્યું કે,.કોઈ અપ્રિય પરિસ્થિતિથી બચવા માટે આ પગલું લેવામાં આવ્યું છે.
ક્રિસમસના અવસર પર વિદ્યાર્થીઓ શાળાઓમાં આયોજિત કાર્યક્રમોમાં ભાગ લેવા માટે સાન્તાક્લોઝના પોશાક પહેરે છે. પરંતુ મધ્યપ્રદેશના બાળ અધિકાર સંરક્ષણ આયોગે શાળા શિક્ષણ વિભાગ અને રાજ્યના તમામ જિલ્લા કલેક્ટરને પત્ર પાઠવીને નિર્દેશ આપ્યો છે કે, કોઈપણ શાળાએ નાતાલના તહેવાર દરમિયાન વિદ્યાર્થીઓને સાન્તાક્લોઝના પોશાકમાં પહેરવા માટે તેમના માતા-પિતાની લેખિતમાં પરવાનગી લેવાની રહેશે.
આવો જાણીએ કહ્યુ આયોગે ?
કમિશન ફોર પ્રોટેક્શન ઑફ ચાઇલ્ડ રાઇટ્સના અનુરાગ પાંડેએ સૂચનાઓ જાહેર કરતી વખતે લખ્યું છે કે, વિવિધ કાર્યક્રમોના પ્રસંગે, શાળા/સંસ્થા પસંદગીના છોકરાઓ/છોકરીઓ માટે વિવિધ પોશાક અને અન્ય પાત્રો બનાવવાની વ્યવસ્થા કરશે. શાળાઓમાં આયોજિત કાર્યક્રમોમાં ભાગ લેવો તે છોકરાઓ/છોકરીઓના વાલીઓ પાસેથી લેખિત પરવાનગી મેળવ્યા પછી જ થવો જોઈએ. કોઈપણ સંજોગોમાં કોઈ પણ છોકરા/છોકરીને માતા-પિતાની લેખિત પરવાનગી વગર ઉપરોક્ત કાર્યક્રમમાં ભાગ લેવો જોઈએ નહીં, જેથી કોઈ અપ્રિય પરિસ્થિતિનું નિર્માણ ન થાય. જો આ સંબંધમાં કોઈપણ પ્રકારની ફરિયાદ અથવા વિવાદ ધ્યાને આવશે તો સંબંધિત અધિનિયમોની જોગવાઈઓ હેઠળ શાળા/સંસ્થા સામે પગલાં લેવાની ભલામણ કરવામાં આવશે જેની સંપૂર્ણ જવાબદારી શાળા/સંસ્થાની રહેશે.
હવે આ આદેશ બાદ નાતાલના તહેવારને ધ્યાનમાં રાખીને બાળકોને સાંતા ડ્રેસ પહેરાવવાની પરંપરા પર કોઈ અસર પડે છે કે કેમ તે જોવાનું રહેશે. તમને જણાવી દઈએ કે, વર્ષ 2023માં પણ આવો જ એક આદેશ જાહેર કરવામાં આવ્યો હતો જેમાં શાળાઓમાં બાળકોને કોઈપણ પ્રકારનો પોશાક પહેરવાની ફરજ પાડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ માટે પણ શાળાઓને વાલીઓ પાસેથી લેખિત પરવાનગી લેવા આદેશ કરાયો હતો.