ભારતીયો માટે યુએસ વિઝાની પ્રતીક્ષા અવધિ ઓછી થઈ રહી નથી. દેશના ઘણા ભાગોમાં, તે હજી 500 દિવસથી વધુનો સમય છે. જેને જોતા અમેરિકન એમ્બેસીએ એક મહત્વનું પગલું ભર્યું છે. આ અંતર્ગત અન્ય દેશમાં પ્રવાસ કરનારા ભારતીયો ત્યાંની અમેરિકી એમ્બેસીમાં જઈને અમેરિકાના વિઝા માટે એપોઈન્ટમેન્ટ મેળવી શકે છે. અમેરિકન એમ્બેસી ઈન્ડિયા દ્વારા આ અંગે માહિતી આપતું એક ટ્વીટ પણ કરવામાં આવ્યું છે. નોંધપાત્ર વાત એ છે કે, અમેરિકા પહેલેથી જ ભારતીયો માટે વિઝાનો બેકલોગ ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યું છે.
તમે જે દેશમાં હશો ત્યાંથી અમેરિકાની વીઝાની એપોઈનમેન્ટ લઈ શકાશે
અમેરિકાની બાયડન સરકારે ભારતીયોના વીઝા માટે એક મોટી સુવિધા શરુ કરી છે જેનાથી માત્ર ભારત જ નહીં પરંતુ વિદેશમાં પણ રાહત મળી જશે.
આ પહેલા અમેરિકાએ પણ વિઝા પ્રોસેસિંગમાં લાગતો સમય ઘટાડવા માટે ખાસ પગલા લીધા છે. આ અંતર્ગત પ્રથમ વખતના અરજદારો માટે ખાસ ઇન્ટરવ્યુનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તેમજ એમ્બેસીમાં સ્ટાફની સંખ્યા પણ વધારી દેવામાં આવી છે. તે જ સમયે, 21 જાન્યુઆરીએ મુંબઈ, ચેન્નાઈ, કોલકાતા અને હૈદરાબાદના કોન્સ્યુલેટમાં પણ ખાસ શનિવાર ઈન્ટરવ્યુ લેવામાં આવ્યા હતા. એટલું જ નહીં, જેમની પાસે અમેરિકાના વિઝા છે તેમને પણ ઇન્ટરવ્યૂમાંથી મુક્તિ આપવાની વ્યવસ્થા છે.
બે અઠવાડિયા પહેલા, યુએસ મિશને ભારતમાં વધારાની 2,50,000 બી 1 / બી 2 નિમણૂકો જારી કરી હતી. અમેરિકાના એક વરિષ્ઠ વિઝા અધિકારીના જણાવ્યા અનુસાર, અમેરિકા ભારતમાં વિઝાના વેઇટિંગ પીરિયડને ઘટાડવા માટે તમામ જરૂરી પગલાં લઇ રહ્યું છે. આ અંતર્ગત કોન્સ્યુલેટમાં સ્ટાફ વધવાની સાથે જર્મની અને થાઈલેન્ડના દૂતાવાસોને પણ વિઝા અરજી માટે ખોલવામાં આવી રહ્યા છે. કોરોના ટ્રાવેલ બેન હટાવ્યા બાદથી ભારત એ દેશોમાંથી એક છે જ્યાં અમેરિકાના વિઝાના વેઈટિંગ ટાઈમમાં નોંધપાત્ર વધારો થયો છે.
અમેરિકન એમ્બેસી ઇન્ડિયાએ આ ટ્વિટમાં કહ્યું છે કે શું તમે કોઇ ઇન્ટરનેશનલ ટ્રાવેલ કરવા જઇ રહ્યા છો? જો હા, તો તમે જે દેશમાં મુસાફરી કરી રહ્યા છો તે દેશમાં યુએસ એમ્બેસીમાં વિઝા માટે તમે એપોઇન્ટમેન્ટ મેળવી શકો છો. આ ટ્વિટમાં ઉદાહરણ આપીને આ વાતનો ખુલાસો કરવામાં આવ્યો છે. આ મુજબ બેંગકોક સ્થિત અમેરિકન એમ્બેસીએ આગામી મહિનાઓમાં થાઇલેન્ડની યાત્રા કરનારા ભારતીયો માટે બી1/બી2 વિઝા એપોઇન્ટમેન્ટની સુવિધા આપી છે.